corona epidemic પર WHOમાં ઘેરાઈ રહ્યું છે ચીન, આ રીતે બદલો લેશે ભારત!

કોરોના વાયરસ મહામારી ફેલાતી રોકવામાં બેદરકારી રાખવાનો આરોપ ઝેલી રહેલા ચીન માટે આગામી સમય ઘણો મહત્વનો રહેશે. વાત જાણે એમ છે કે ભારત 22મી મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચેરમેનનો કાર્યભાર સંભાળશે અને આ વૈશ્વિક સંસ્થામાં ચીન ખરાબ રીતે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. અનેક દેશો કોરોના મહામારીને લઈને ચીનની ભૂમિકા પર તપાસની માગણી કરી રહ્યાં છે. આવામાં ભારત પાસે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના મામલે ચીન સાથે જૂનો હિસાબ ચૂક્તે કરવાની તક રહેશે. 
corona epidemic પર WHOમાં ઘેરાઈ રહ્યું છે ચીન, આ રીતે બદલો લેશે ભારત!

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી ફેલાતી રોકવામાં બેદરકારી રાખવાનો આરોપ ઝેલી રહેલા ચીન માટે આગામી સમય ઘણો મહત્વનો રહેશે. વાત જાણે એમ છે કે ભારત 22મી મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચેરમેનનો કાર્યભાર સંભાળશે અને આ વૈશ્વિક સંસ્થામાં ચીન ખરાબ રીતે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. અનેક દેશો કોરોના મહામારીને લઈને ચીનની ભૂમિકા પર તપાસની માગણી કરી રહ્યાં છે. આવામાં ભારત પાસે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના મામલે ચીન સાથે જૂનો હિસાબ ચૂક્તે કરવાની તક રહેશે. 

કોરોના પર ચીન વિરુદ્ધ તપાસ ઈચ્છનારા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની સામેલ છે. આ દેશો કોરોના મહામારીની યોગ્ય જાણકારી ન આપવા અને તેને પહોંચી વળવામાં ચીનની અસક્ષમતાને લઈને તપાસ કરવાની માગણી કરી શકે છે. આગામી અઠવાડિયે ભારત જાપાનની જગ્યાએ WHOની અધ્યક્ષતા સંભાળશે. આવામાં ચીન વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે. સોમવારે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં યુરોપીયન યુનિયન તરફથી આ પ્રસ્તાવ રજુ કરાશે. જેમાં ડિમાન્ડ કરાઈ છે કે કોવિડ 19ને લઈને WHOના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ હેલ્થ રિસ્પોન્સની નિષ્પક્ષ, સ્વતંત્ર અને વિસ્તૃત તપાસ થાય. 

મસૂદ અઝહર પર ચીને ભારત માટે ઊભી કરી હતી મુશ્કેલીઓ
પાકિસ્તાનનો સદાબહાર મિત્ર ચીને મસૂદને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં ગ્લોબલ આતંકી જાહેર કરવામાં મોટો અડિંગો લગાવ્યો હતો. ચીને અનેકવાર યુએન સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર મિત્ર પાકિસ્તાનના પક્ષમાં વીટો માર્યો હતો. ચીને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ પર ભારતને ખુબ પરેશાન કર્યું છે. દરેક વખતે કોઈને કોઈ નવા બહાના હેઠળ તે પ્રસ્તાવ પર વીટો મારતું હતું. ચીન ટેક્નિકલ ખામીઓનો ઉલ્લેખ કરીને મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરાવવામાં બચી જતુ હતું. 

મસૂદ પર ચીનને ભારતે આ રીતે ઘેર્યું
2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલામાં પણ જૈશ ચીફનો હાથ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. દુનિયાભરમાં આ હુમલાની ટીકા થઈ હતી. આવા ભયાનક હુમલા બાદ પણ ચીને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવથી બચાવી લીધો હતો પરંતુ ભારતે પોતાના કૂટનીતિક પ્રયત્નોમાં તેજી લાવીને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ચીન પર જબરદસ્ત દબાણ સર્જ્યુ. 

10 વર્ષમાં ચારવાર થઈ કોશિશ પણ નિષ્ફળ ગઈ
અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં ચાર વાર કોશિશ થઈ હતી. સૌથી પહેલા 2009માં પ્રસ્તાવ રજૂ થયો. ત્યારબાદ 2018માં ભારત અમેરિકા અને બ્રિટન તથા ફ્રાન્સે સાથે મળીને યુએનની 1267 પ્રતિબંધ પરિષદ સમક્ષ બીજીવાર પ્રસ્તાવ રજુ કર્યો. આ જ દેશોના સમર્થન સાથે ભારતે 2017માં ત્રીજીવાર પ્રસ્તાવ રજુ કર્યો. આ તમામ વખતે ચીને વીટો માર્યો હતો. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તરફથી જૈશના ચીફ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવન પર ચીને માર્ચમાં પણ વીટો માર્યો હતો. 

વધતા દબાણ આગળ નતમસ્તક થયુ ચીન
સુરક્ષા પરિષદના 3 સ્થાયી સભ્ય દેશો અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન ઉપરાંત આંતરરાષ્ટ્રીય દબાણ આગળ ચીને ઘૂંટણિયે પડવું પડ્યું હતું અને યુએનએ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો. સુરક્ષા પરિષદના પ્રતિબંધ સમિતિ હેઠળ મસૂદને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવ પર ચીને ત્યારે કોઈ અડિંગો જમાવ્યો નહીં. 

તો પછી મળશે ચીન વિરુદ્ધ તપાસની મંજૂરી?
હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કોરોના વાયરસ નેચરલ નથી અને તેને પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે. ભારતની આ કોરોના વાયરસ પર પહેલી અધિકૃત પ્રતિક્રિયા હતી. ભારતે WHOમાં પણ સુધારની માગણી કરી હતી. 

194 સભ્યોવાળા WHOનો બોસ બન્યું ભારત
194 સભ્યોવાળા WHOના ચેરમેન બન્યા બાદ ભારત પાસે મહત્વના નિર્ણયો લેવાની તાકાત હશે. સૂત્રોના જણાવ્યાં મુજબ WHOના નિયમો, નિર્ણયોમાં ભારતને નિર્ણય લેવાનો હક રહેશે. WHOના ડાઈરેક્ટર જનરલે કોઈ પણ પ્રકારના નિર્ણય માટે ચેરમેનની સહમતી લેવી પડશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત કોવિડ 19 મહામારી પર એક જવાબદાર અને પારદર્શક તપાસના પક્ષમાં રહ્યું છે. 

જુઓ LIVE TV

ચીનનું શું થશે?
જો WHOના સભ્ય દેશ કોરોના મહામારી પર તપાસ માટે ચીન વિરુદ્ધ અપીલ કરશે તો તેના પર નિર્ણય લેવો પડશે. અન્ય દેશ પણ આ વાયરસની ઉત્પતિને લઈને તપાસની માગણી કરી રહ્યાં છે. દુનિયાના દેશ જાણવા માંગે છે કે શું ચીને શરૂઆતમાં આ બીમારી અંગે દુનિયાને સત્ય જણાવ્યું નથી? શું તેણે દુનિયાને એ જણાવવામાં પણ વાર લગાડી કે આ બીમારી એક મનુષ્યથી બીજા મનુષ્યમાં ફેલાય છે?

સમગ્ર મામલે WHOની ભૂમિકા પર સવાલ
કોરોના મહામારી પર WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એધાનોમ ધેબ્રિયસસની ભૂમિકા પણ સવાલના ઘેરામાં રહી છે. તેમના પર આરોપ લાગતા આવ્યાં છે કે કોરોના સંક્રમણ અન્ય દેશોમાં ફેલાઈ ગયું ત્યાં સુધી તેઓ આ મામલાને ગંભીરતાથી ન લેતા હળવામાં જ ગણાવતા રહ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news